Rupam Upadhyaya
શિક્ષણ પ્રાપ્ત કરવું એ
એક પવિત્ર પ્રક્રિયા છે. પવિત્ર કાર્ય માટે વાતાવરણ અને ભાવ પવિત્ર હોવા જરૂરી છે.
આ પવિત્ર કાર્યની શરૂઆત ક્યારથી થાય છે તે સમજાવવાનો પ્રયાસ આ સંશોધન લેખમાં
કરવામાં આવ્યો છે. મનુષ્યના જીવનમાં શિક્ષણની શરૂઆત પાંચ વર્ષ પછી થાય છે તેવી
સામાન્ય સંકલ્પના પ્રચલિત છે. વર્તમાન શિક્ષણ વ્યવસ્થાને ધ્યાને લઈએ તો શિક્ષણની
શરૂઆત હવે શિશુ કે બાળક અઢી કે ત્રણ વર્ષનું થાય ત્યારથી થાય છે. પરંતુ તે
ઔપચારિક શિક્ષણની શરૂઆત છે. ઔપચારિક શિક્ષણ એટલે કે નિશ્ચિત હેતુ સાથે, નિશ્ચિત
સમયમાં અને નિશ્ચિત અભ્યાસક્રમ સાથે અપાતું શિક્ષણ. આ ઔપચારિક શિક્ષણની શરૂઆત
થતાં પહેલાં જ શિશુ શિક્ષણની શરૂઆત થઈ જાય છે. અને આ શિક્ષણની શરૂઆત એટલે ‘જન્મપૂર્વેનું
શિક્ષણ’ જેને સામાન્ય પરિભાષામાં અનૌપચારિક શિક્ષણ કહેવાય છે. પૂવર્જો આ
અનૌપચારિક શિક્ષણને સંસ્કાર-પ્રક્રિયા તરીકે ઓળખાવે છે. સંસ્કાર-પ્રક્રિયાનો
(અનૌપચારિક શિક્ષણનો) સમયગાળો એટલે માતા જ્યારે ગર્ભ ધારણ કરે છે. અર્થાત્ બાળકના
જન્મ પૂર્વેથી લઈને ઔપચારિક શિક્ષણ પ્રાપ્ત કરવાનો આરંભ કરે તે પહેલાંનો સમય. શિક્ષણમાં
બાળશિક્ષણ અને બાળવિકાસ ક્ષેત્રે સંશોધનો થયા છે પરંતુ તે સંશોધનો બાળક શાળા જવાનું
શરૂ કરે ત્યાર પછીના છે. ‘જન્મપૂર્વેના શિક્ષણ’ સંદર્ભે નવા સંશોધનો હાથ ધરવા
માટે આ દીવાદાંડીરૂપ બને તે હેતુ આ સંશોધન લેખમાં સમાહિત છે. પ્રચીનપ્રજ્ઞાને
સંશોધનની એરણે ચકાસી નૂતન જ્ઞાનના સર્જનનો હેતુ પણ અદ્રશ્યરૂપે સામેલ છે.
જન્મપૂર્વેનું શિક્ષણ, સંસ્કાર-પ્રક્રિયા, પ્રાચીન ઉદાહરણો અને અર્થઘટન.
VOL.13, ISSUE No.3, September 2021