Girish Shah
ભારતીય ઈતિહાસમાં એવા ઘણાં વીર વીરાંગનાઓ થઇ ગયા કે જેઓનું નામ
જવલ્લે જ લેવામાં આવ્યું છે. ભારતનો સમુદ્રી ઈતિહાસ પ્રાચીન સમયથી ઉન્નત રહ્યો છે.
સમુદ્રી વેપારમાં માત્ર વિદેશીઓનો જ એકાધિકાર નહોતો, પરંતુ તેમાં ભારતીય વેપારીઓ
તેમજ શાસકો પણ જોડાયેલાં હતાં. ભારત તેનાં સમૃદ્ધ સમુદ્રી વારસાને કારણે વિશ્વના
દેશો સાથે વેપારમાં અગ્રેસર હતું. ભારતના સમુદ્રી કિનારાના રાજ્યો સમુદ્રી રાજ્યો
હતાં. તેથી સમુદ્રી વેપારના પાયામાં તેનાં શાસકો હતાં, આવાં રાજ્યોના શાસકો દ્વારા
બંદર નિર્માણ, બંદર વિકાસ અને વિદેશ વેપાર થતો હતો. આ વેપારમાં રાજા કે શાસકો અંગત
રસ લેતાં હતા, પરંતુ દક્ષિણ ભારતના કોંકણ તટે એક સમુદ્રી સામ્રાજ્ઞી ચૌટાવંશના મહારાણી
અબક્કા દેવી હતા. જેઓ જૈન ધર્મી હતા, છતાં રાજ્યમાં શિવ મંદિરો સ્થાપિત કરાવ્યા
અને પ્રોત્સાહન પણ આપ્યું. આમ પોતાના રાજ્યને સમુદ્ર કિનારાનો લાભ મળ્યો તેનો
ઉપયોગ સમુદ્રી વેપાર માટે કર્યો હતો. તેમનું નામ દેશને ઉપનિવેશવાદીઓથી બચાવવા માટે
ખૂબ મહત્ત્વપૂર્ણ રહ્યું. આ સમયે તેઓ ઉલ્લાલ રાજ્યના મહારાણી
તરીકે આરૂઢ હતા, ત્યારે યુરોપીયન પ્રજા પોર્ટુગીઝોનું આવાગમન કોંકણ સમુદ્ર કિનારે
થઇ રહ્યું હતું. મહારાણી અબક્કાએ આ વિદેશી પ્રજાને પ્રસ્થાપિત થતાં રોકવામાં કોઈ
કચાશ છોડી નહિ. જ્યાં સુધી મહારાણી અબક્કા રહ્યાં ત્યાં સુધી ઉલ્લાલ ઉપર
પોર્ટુગીઝો કબજો મેળવી શક્યા નહી. મહારાણીએ ઉલ્લાલમાં રહી સેના તૈયાર કરી, નૌકા
કાફલો વિકસાવ્યો, સ્થાનિક રજાઓ તથા અરબ પ્રજાનો સાથ મેળવીને પોર્ટુગીઝોને સમુદ્રી
વેપાર ઉપર એકાધિકાર કરતા અટકાવ્યા. ભારતની પ્રકૃતિ મુજબ તેમના પતિ દ્વારા દગાથી
પોર્ટુર્ગીઝોને હાથે જીવતા પકડાવી દેવાથી જેલમાં જ તેઓનું અવસાન થયું. આમ ભારતના
ઈતિહાસમાં સમુદ્રી શાસક મહારાણી અબક્કાનું નામ ગૌરવ સાથે લેવાય છે.
સમુદ્રી શાસક, ચૌટાવંશ, બંગાવંશ, સમુદ્રી સામ્રાજ્ય, સમુદ્રી પરવાનો, બંદર, સમુદ્રી વેપાર, વહાણવટુ, જકાત, સમુદ્રી કર, ગોદામ, તુલું, કોંકણ, નૌકા કાફલો, જહાજવાડો,
VOL.18, ISSUE No.1, March 2026