Lokesh Jain, Bhavin Gohil
આજના સમયમાં કૃષિ ક્ષેત્રમાં સમય, શક્તિ અને નાણાનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા
માટે વિશ્વ તથા ભારતમાં એગ્રોટેક અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે નવીનતાઓ ઝડપથી વિકસી
રહી છે. આ નવી તકનીકોના અંતિમ અમલકર્તા મોટા ભાગે ગ્રામીણ ખેડૂત છે. ભારતીય ખેડૂત
સમુદાય દેશની અમૂલ્ય બૌદ્ધિક સંપત્તિ છે,
કારણ કે તેઓ માટી, પાણી, આબોહવા
અને ખેતી પદ્ધતિઓ સંબંધિત વ્યવહારિક જ્ઞાન ધરાવે છે. તેમ છતાં, ઉચ્ચ શિક્ષણ, નાણાંકીય ક્ષમતા અને માળખાગત સુવિધાની
અછત આ નવીનતાઓના અમલમાં અડચણ રૂપ છે.
આથી, એગ્રોટેક
અને ફૂડ પ્રોસેસિંગ નવીનતાઓ અને ખેડૂતો વચ્ચેના અંતરને દૂર કરવા માટે એવા મધ્યસ્થ
સંસ્થાનની જરૂર છે, જે ખેડૂતોને ક્રેડિટ અને નોન-ક્રેડિટ
સહાય આપીને તેમના વિકાસમાં સહયોગી બને. પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ (PACS) સહકારના સિદ્ધાંતો પર આધારિત એવી જ
સંસ્થાઓ છે. રાષ્ટ્રીય સહકાર નીતિ – 2025
PACSને મજબૂત બનાવી તેમને
એગ્રોટેક અને ફૂડ પ્રોસેસિંગ નવીનતાઓ માટે સક્ષમ ઇકોસિસ્ટમ રચનારી સંસ્થા તરીકે
સ્થાન આપે છે (Ministry
of Cooperation, 2025).
આ અભ્યાસનો હેતુ PACS સભાસદોની ધારણાઓનું મૂલ્યાંકન કરવાનો છે
કે તેઓ એગ્રોટેક અને ફૂડ પ્રોસેસિંગ નવીનતાઓ માટે સક્ષમ ઇકોસિસ્ટમ ઊભી કરવામાં PACSની ભૂમિકા કેવી રીતે જુએ છે. આ
મૂલ્યાંકન ત્રણ પરિમાણો પર આધારિત છે: 1.
માહિતી સહાય અને
ક્ષમતા નિર્માણ, 2. નાણાકીય અને ઇકોસિસ્ટમ સેવાઓ (ક્રેડિટ
અને નોન-ક્રેડિટ), અને 3. સભાસદ
ભાગીદારી અને પ્રતિસાદ પદ્ધતિઓ.
દાંડી પથના ગામોમાં સ્થિત 14 PACS ના સભાસદો પાસેથી પ્રશ્નાવલી દ્વારા
માહિતી મેળવી SPSS સોફ્ટવેરથી વિશ્લેષણ કરવામાં આવ્યું.
લિકર્ટ સ્કેલ માટે વન-સેમ્પલ ટી-ટેસ્ટ અને વસ્તીવિષયક માહિતી માટે આવૃત્તિ વિતરણનો
ઉપયોગ થયો. પરિણામો દર્શાવે છે કે PACS
ક્રેડિટ સેવાઓમાં
અસરકારક છે, પરંતુ માહિતી પ્રસરણ, તાલીમ અને એગ્રોટેક તથા ફૂડ પ્રોસેસિંગ
માટેની માળખાકીય સહાયમાં સુધારાની જરૂર છે. આ શોધો સૂચવે છે કે PACSને રાષ્ટ્રીય સહકાર નીતિ – 2025ના ઉદ્દેશોને સિદ્ધ કરવા વધુ
ખેડૂત-કેન્દ્રિત ઇકોસિસ્ટમ વિકસાવવી જોઈએ. આવા પ્રયાસો ગ્રામ્ય અર્થતંત્રના
સશક્તિકરણ દ્વારા વિકસિત ભારત @2047 ના સર્વસમાવેશક અને ટકાઉ વિકાસના લક્ષ્યને સિદ્ધ કરવામાં સહાયક
બની શકે છે.
PACS,
એગ્રોટેક અને ફૂડ
પ્રોસેસિંગ નવીનતાઓ, NCP
2025, સભાસદોની ધારણાઓ.
VOL.17, ISSUE No.4, December 2025