Prakashkumar Ganpatbhai Suthar
માનવી પોતાની
દ્રષ્ટિની સીમા વિસ્તારીને નિજથી લઈને દૂર-સુદૂર ક્ષેત્રમાં ઝીણવટભર્યું નિરીક્ષણ
કરે છે ત્યારે કલાના અને રસના અનેકવિધ આયામો પર તેનું મન ઠરે છે. આ સાથે જ કલા
સાથેના આંતર સબંધોના લીધે એ ચિરંજીવ બનતું હોય છે. માનવીનું જીવન ક્ષણભંગુર છે,
પરંતુ તેની સાથે જોડાયેલી કલાઓ અમર છે. માનવ જીવનની સાથે પ્રાચીનકાળથી અનેક કલાઓ
જોડાયેલી રહી છે. આ કલાઓનો સહારો લઈને માનવીએ પોતાના જીવનને ઉત્કૃષ્ટ બનાવવાના
હંમેશા પ્રયત્નો કર્યા છે. તેથી કહી શકાય કે, સંસ્કૃતિના વિકાસમાં વિવિધ કલાઓનું
વિશિષ્ટ પ્રદાન રહ્યું છે. ભારતવર્ષ પ્રાચીનકાળથી કલા, સંસ્કાર અને સંસ્કૃતિની
ધરતી રહ્યું છે. તે બધાં એકમેકનાં પૂરક બનીને વિકસ્યાં છે. કલા શબ્દ સાંભળતાં જ
માનવીના માનસપટ ઉપર શિલ્પ, સ્થાપત્ય, સંગીત અને ચિત્ર એવી ચારેય કલાઓનો આભાસ થાય
છે. પરંતુ પ્રાચીન શાસ્ત્રોમાં ૬૪ જેટલી કલાઓના ઉલ્લેખ મળે છે. જોકે, જૈન
ગ્રંથોમાં ૭૨ કલાઓ અને વરાહમિહિરના બૃહત્સંહિતામાં ૭૨ કલાઓના ઉલ્લેખ મળે છે. આ બધી
કલાઓ પૈકી કાષ્ઠકલા લોકોમાં આકર્ષણ જમાવતી રહી છે. કલા એ એવા કલાકારોના કૌશલ્ય અને
અભિવ્યક્તિનું પરિણામ છે કે જેમણે ક્યારેય કોઈ વૈજ્ઞાનિક કે શાસ્ત્રીય રીતે કલાનો
અભ્યાસ કર્યો નથી. લાગણીઓની સ્વયંસ્ફૂરિત અભિવ્યક્તિ એ કલાનો મૂળમંત્ર છે.
સંસ્કૃતિ, સાંસ્કૃતિક ધરોહર, ઐતિહાસિક ધરોહર, કલા, કાષ્ઠકલા.
VOL.17, ISSUE No.1, March 2025