Manoj Mahyavanshi
ભારતીય દલિતસાહિત્ય
ક્ષેત્રે હિંદી ભાષામાં લખતા ઓમપ્રકાશ વાલ્મીકિ નોંધપાત્ર નામ છે. તેમની જુઠન
નામની આત્મકથાનો મોટાભાગની ભાષામાં અનુવાદ થયો છે. અહીં તેમના घुसपैठिये વાર્તાસંગ્રહની घुसपैठिये અને यह अंत
नहीं એ બે વાર્તાઓમાં જે જાતિગત શોષણનું આલેખન થયું છે તેને તપાસવાનું અભિપ્રેત છે.
કોલેજ-યુનિવર્સિટી કક્ષાએ ચાલતા જાતિગત શોષણને લીધે દલિતવર્ગના સુભાષ જેવા
વિદ્યાર્થીની આત્મહત્યા એ घुसपैठिये વાર્તાના કેન્દ્રમાં છે અને સામાજિક કાર્યકર્તા રમેશ ચૌધરી
અને સરકારી અધિકારી રમેશના જાતિવાદ સામે લડવાના પ્રયત્નોનું નિરૂપણ છે. રાકેશ અધિકારી
હોવા છતાં પરિસ્થિતિને પલટી શકતો નથી એ કરુણતા છે. यह अंत नहीं વાર્તામાં બિરમાના બળાત્કારનો પ્રયત્ન કરનાર સવર્ણ પાત્ર સચિન્દરના
વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ કરી શકાતી નથી અને પંચાયત તેને પાંચ રૂપિયાની સજા કરી
છોડી મૂકે એવા પંચાયતી રાજનું ચિત્ર લેખક બતાવે છે. વર્ષોથી સવર્ણોની જોહુકમી-અત્યાચારને
સહન કરનાર પ્રજા જયારે પોતાની સાથે થયેલા અપમાનના વિરુદ્ધમાં કાયદાકીય પગલા લેવા
માટે તૈયાર થાય ત્યારે તેને સત્તાધારીઓનો જ સહકાર મળતો નથી અને ન્યાય માટે તેઓ
વલખા મારે તે સત્ય સર્જક આ વાર્તામાં દર્શાવે છે જેની ચર્ચા અહીં અભિપ્રેત છે. એક
વાર્તામાં વિશ્વવિદ્યાલયમાં વકરેલો જાતિવાદ અને તેનો જુલમ છે તો બીજી વાર્તામાં પંચાયતી રાજમાં દલિતો
સાથે થતા બળાત્કાર જેવા પાશવી શોષણનું આલેખન છે. બંને વાર્તાઓમાં સત્તાધારીઓના
ગંદા રાજકારણ તરફ તો ઈશારો છે જ. શોષણની સામે દલિત પાત્રોએ શરુ કરેલી વિરોધની ચળવળ
તરફ પણ ઓમપ્રકાશ વાલ્મીકિ અંગુલીનિર્દેશ કરે છે.
ભારતીય દલિતસાહિત્ય, ઓમપ્રકાશ વાલ્મીકિ, જુઠન, ઘુસપૈઠીયે,
યહ અંત નહીં, જાતિગત શોષણ, અનામત, પંચાયતી રાજ
VOL.16, ISSUE No.3, September 2024