Rupam Upadhyaya
પાયાના
તબક્કા માટે રાષ્ટ્રીય માળખું – ૨૦૨૨માં વર્ણિત છે કે એક વ્યક્તિના વિકાસ માટે
તેના જીવનના શરૂઆતના આઠ વર્ષો અતિમહત્ત્વપૂર્ણ છે. આ જીવનના શરૂઆતના આઠ વર્ષો એટલે
બાળક જન્મે ત્યારથી નહિ અપિતુ આપણા શાસ્ત્રોમાં વર્ણિત છે તે મુજબ ગર્ભાધાનથી લઈને
આઠ વર્ષ સુધીનો સમયગાળો. આયુર્વેદના મતે તો ગર્ભાધાન પૂર્વે જ આવનાર શિશુને
સંસ્કારિત કરવાની તૈયારી કરવી જોઈએ. ગર્ભાધાન બાદ નવ માસ દરમિયાન જ્યારે ગર્ભ
માતાના ઉદરમાં વિકાસ પામી રહ્યો છે ત્યારથી જ તેને શિક્ષિત અને સંસ્કારિત કરવાની
પ્રક્રિયા શરૂ થઈ જાય છે. બાળકને ગર્ભસંસ્કારિત કરવાની પરંપરા ભારતમાં અતિપ્રાચીન
છે. વર્તમાનમાં આ પરંપરાને ધ્યાનમાં રાખીને ભારતમાં અનેક ગર્ભસંસ્કાર કેન્દ્રો
કાર્યરત છે. આ ગર્ભસંસ્કાર કેન્દ્રોમાં વિવિધ ક્રિયાકલાપોના માધ્યમથી ગર્ભના
શિક્ષણ અને વિકાસ સંદર્ભે કાર્ય થઈ રહ્યું છે. આવું જ ગર્ભસંસ્કાર માટેનું કાર્ય
ગુજરાતમાં ગુજરાત સરકાર દ્વારા સ્થાપિત ચિલ્ડ્રન્સ રીસર્ચ યુનિવર્સિટીમાં પણ થઈ
રહ્યું છે. આ ઉપરાંત અન્ય ખાનગી સંસ્થા અને NGO પણ આ કાર્ય કરી રહ્યાં છે.
ચિલ્ડ્રન્સ રીસર્ચ યુનિવર્સિટીમાં તપોવન વિભાગ અંતર્ગત ગર્ભસંસ્કાર સંબંધિત વિવિધ
ક્રિયાકલાપો કરાવવામાં આવે છે. જેમાં પ્રાર્થના, તપોવન ગીત, સંગીત, ચિત્રકલા,
વિઝ્યુલાઇઝેશન, સૂક્ષ્મ કસરતો-વ્યાયામ, યોગાભ્યાસ, સંસ્કૃત સંભાષણ, વૈદિક ગણિત,
ગર્ભ સંવાદ, કોયડાઓ અથવા બ્રેઈન ગેમ અને આર્ટ-ક્રાફ્ટનો સમાવેશ થાય છે. આ તમામ
પ્રવૃત્તિઓ પૈકી ગર્ભસંવાદ એક અનોખી પ્રવૃત્તિ છે જેના દ્વારા માતા-પિતા તેમજ
પરિવારજનો ગર્ભમાં પાંગરી રહેલા શિશુ સાથે વાતો કરે છે. આથી સંશોધકે ગર્ભસંસ્કાર
કેન્દ્રમાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ પૈકી “ગર્ભસંવાદ” પ્રવૃત્તિ વિશે ભાવિ માતાપિતાના
અભિપ્રાયોનો અભ્યાસ કરવાની વિચારણા કરી. પ્રસ્તુત સંશોધનનો મુખ્ય હેતુ તપોવન
ગર્ભસંસ્કારમાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ પૈકી “ગર્ભસંવાદ” પ્રવૃત્તિ વિશે ગર્ભવતી
બહેનો અને તેમના પતિઓના અભિપ્રાયોનો અભ્યાસ કરવો તેમજ ગર્ભસંવાદ પ્રવૃત્તિ વિશેના
અભિપ્રાયો પર ગર્ભવતી બહેનોના કુટુંબના પ્રકાર, વિષય પ્રવાહ અને વ્યવસાયની અસરનો
અભ્યાસ કરવાનો હતો. પ્રસ્તુત સંશોધનમાં ગુજરાત રાજ્યમાં ચાલતા વિવિધ ગર્ભસંસ્કાર
કેન્દ્રોનો લાભ લેતી તમામ ગર્ભવતી મહિલાઓ આ સંશોધનનું વ્યાપવિશ્વ હતા. નિદર્શ
તરીકે ચિલ્ડ્રન્સ રીસર્ચ યુનિવર્સિટી, ગાંધીનગરમાં કાર્યરત તપોવન વિભાગની
ગર્ભસંસ્કાર પ્રવૃત્તિઓમાં સામેલ તેમજ સમર્થ ગર્ભ વિજ્ઞાન અને અનુસંધાન કેન્દ્રના
૬૧ લાભાર્થીઓને બિનસંભાવ્ય નિદર્શ પદ્ધતિ અંતર્ગત સાનુકૂળ નિદર્શ પદ્ધતિથી પસંદ કરવામાં
આવ્યા હતા. ઉપકરણ તરીકે “ગર્ભસંવાદ અભિપ્રાયાવલિ” ની રચના સંશોધક દ્વારા કરવામાં
આવી હતી. માહિતીનું વિશ્લેષણ Mann
Whitney U Test દ્વારા કરવામાં આવ્યું
હતું. પ્રસ્તુત સંશોધનના તારણોમાં જોવા મળ્યું કે ગર્ભસંવાદની પ્રવૃત્તિ વિશે મોટાભાગની
ગર્ભવતી સ્ત્રીઓ અને તેમના પતિના અભિપ્રાયો સકારાત્મક હતા. આ ઉપરાંત ગર્ભસંવાદની
પ્રવૃત્તિ પર કુટુંબના પ્રકાર, વિષયના પ્રવાહ અને વ્યવસાયની અસર જોવા મળી ન હતી.
ગર્ભસંસ્કાર,
ગર્ભસંવાદ
VOL.16, ISSUE No.2, June 2024